શ્રદ્ધયા કૃતં ઈતિ શ્રાદ્ધમ!
Chitralekha Gujarati|September 19, 2022
આધુનિકતા તો સમાજનાં દરેક ક્ષેત્રે આવી છે, પરંતુ શ્રાદ્ધ જેવી પરંપરાને વધારે સ્પર્શી શકી નથી. કેટલાક સુધારાવાદીઓ એવી દલીલ કરે છે કે અહીં કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવાથી કે પીપળે પાણી રેડવાથી દિવંગતના આત્માને શાંતિ કેવી રીતે મળે, પરંતુ એનો કોઈ જવાબ આપ્યા વગર સંખ્યાબંધ લોકો આ શ્રાદ્ધ કરે છે. આમ શ્રાદ્ધની મૂળ પરંપરા હજુ અકબંધ છે, પણ હા, દેશ-કાળ અને પાત્ર મુજબ નિયમોમાં થોડા ફેરફાર જરૂર જોવા મળે છે.
મહેશ શાહ (સિદ્ધપુર) । જ્વલંત છાયા (રાજકોટ) । સમીર પાલેજા (મુંબઈ)
શ્રદ્ધયા કૃતં ઈતિ શ્રાદ્ધમ!

સોમનાથ મહાદેવના ચરણ પખાળતા અરબી સમુદ્ર નજીક ત્રણ નદી હીરણ, સરસ્વતી અને કપિલાનો સંગમ છે. આ ત્રિવેણી ઘાટ અસ્થિવિસર્જન કે શ્રાદ્ધ (ઘણા લોકો એનો ઉચ્ચાર શ્રાધ્ધ તરીકે કરે છે) માટે શ્રેષ્ઠ ગણાય છે. સોમપુરા બ્રાહ્મણો અહીં શ્રાદ્ધની વિધિ કરાવે છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાને લીધે ઓછા લોકો અહીં આવ્યા હતા, પરંતુ સામાન્ય રીતે તો શ્રાદ્ધકર્મ કરાવવા માટે બ્રાહ્મણોનું આગોતરું બુકિંગ થઈ જતું હોય છે. આ વર્ષે પણ ઘાટ પર શ્રાદ્ધની તૈયારી શરૂ થઈ ગઈ છે.

ભાદરવી પૂનમથી આ ધાર્મિક પ્રક્રિયા શરૂ થશે, જેનું અનેક રીતે સામાજિક પણ મહત્વ છે. ઘરે બ્રાહ્મણને બોલાવી શ્રાદ્ધ થાય, મંદિરોમાં પણ થાય અને અહીં તો કેટલાંક એવાં સ્થળ છે, જે શ્રાદ્ધ માટે વિશેષ મહત્વ અને પૌરાણિક સંદર્ભ ધરાવે છે.

પ્રભાસ ક્ષેત્રનો હિસ્સો ગણાતા આ ત્રિવેણી ઘાટ પર સર્વપિતૃ શ્રાદ્ધ થઈ શકે છે. પાંડવોએ અહીં શ્રાદ્ધ કર્યું હોવાના સંદર્ભ છે. સ્કંદપુરાણ અને અંત્યેષ્ટિ કર્મપ્રકાશ ગ્રંથમાં શ્રાદ્ધની સંપૂર્ણ વિગતો છે. સોમનાથ વિસ્તારમાં ૩૦૦થી વધારે બ્રાહ્મણ શ્રાદ્ધની વિધિ કરાવે છે.

પિતૃઓને પ્રસન્ન કરવા કે એમને મોક્ષ અપાવવા માટે પીપળાનું પૂજન, કાગવાશ, શ્વાન તથા ગૌમાતાને ભોજન આપવાની પ્રાચીન પ્રથા હજી જળવાઈ રહી છે. આવી દરેક માન્યતા પાછળ શાસ્ત્રનો આધાર પણ છે.

મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણને ગાંધારીએ આપેલા શ્રાપ અનુસાર કૃષ્ણનો યદુવંશ પણ લડીને નાશ પામ્યો. આખરે કૃષ્ણએ પોતાની લીલા સમાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એમને એક ઋષિએ સંકેત આપ્યો કે તમારા કેટલાય વડવાઓ મૃત્યુ પછી પણ શાંતિ પામ્યા નથી. પ્રેતયોનિમાં છે. એમને પિતૃયોનિમાં ગતિ આપ્યા પછી તમે પ્રયાણ કરો. આમ જગતનું પ્રથમ મોક્ષકાર્ય કૃષ્ણ ભગવાને સોમનાથ પાસે ત્રિવેણી સંગમ ખાતે કર્યું હતું. શ્રાદ્ધ માટે સોમનાથનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે, કેમ કે નદી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ વહેતી હોય, સોમનાથમાં નદી પશ્ચિમથી પૂર્વ તરફ પ્રવાસ કરીને સમુદ્રમાં વિલીન થાય છે.

هذه القصة مأخوذة من طبعة September 19, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 19, 2022 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.